પૃષ્ઠો

બુધવાર, 19 ઑગસ્ટ, 2020

GSEB ની ચૂંટણીની માહિતી

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડના સભ્યોની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે. બોર્ડે મતદાર યાદી માટે ટેન્ડર બહાર પાડ્યું છે. જેને જોતા આ વખતે મતદાર યાદી ઓનલાઈન થવાની વાતો પર પૂર્ણવિરામ મૂકાયું છે. વર્તમાન બોર્ડના સભ્યોની મુદત ૨૨ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી હોઈ બોર્ડ દ્વારા મુદત પૂર્ણ થાય તે પહેલા નવા બોર્ડના સભ્યોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. જાન્યુઆરી સુધીમાં મતદાર યાદી તૈયાર કરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોની મુદત જાન્યુઆરીમાં પૂર્ણ થતી હતી. પરંતુ બોર્ડ નિયત સમયમાં ચૂંટણી યોજી શકે તેમ ન હોવાથી બોર્ડના સભ્યોની મુદતમાં એક માસનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. તેથી બોર્ડના હાલના સભ્યોની મુદત હવે ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ પૂર્ણ થશે. બોર્ડના સભ્યોની મુદત પૂર્ણ થાય તે પહેલા ચૂંટણી યોજવી પડે તેમ હોવાથી બોર્ડ દ્વારા હવે ચૂંટણીને લગતી તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. 


બોર્ડ દ્વારા ચૂંટણી માટે જરૂરી મતદાર યાદી તૈયાર કરવા માટેનું ટેન્ડર બહાર પડાયું છે. આ ટેન્ડર ૧૧ ડિસેમ્બરના રોજ ખુલશે અને જે પાર્ટીને મળશે તેના દ્વારા મતદાર યાદી તૈયાર કરવામાં આવશે. જેમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાં શૈક્ષણિક, બિન શૈક્ષણિક, સંચાલક મંડળ વગેરે કેટેગરીની મતદાર યાદી અંદાજિત ૮૦ હજાર જેટલી તૈયાર કરવાની થાય છે. મતદાર યાદીમાં મતદારોના નામ તથા એડ્રેસની એન્ટ્રી કરી અને ફોટો સ્કેન કરી મતદાર યાદી તૈયાર કરવાની રહેશે. અગાઉ બોર્ડ દ્વારા ચૂંટણી માટેની મતદાર યાદી ઓનલાઈન મૂકવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. પરંતુ હવે ઓનલાઈન મતદાર યાદી પર પૂર્ણ વિરામ મૂકાયું હોય તેમ લાગી રહ્યું છે. 


બોર્ડ દ્વારા આ વખતે ઓનલાઈન મતદાર યાદીની જાહેરાત કરાઈ હતી, પરંતુ હવે ઓનલાઈન મતદાર યાદી જાહેર કરવામાં આવનાર ન હોવાથી સંચાલક મંડળ દ્વારા તેમના મતદારોને કાળજી પુર્વક ફોર્મ ભરવા માટે સુચના આપવામાં આવી છે. મતદાર યાદીમાં ગરબડના લીધે ઘણા સંવર્ગની ચૂંટણીમાં પરિણામ બદલાઈ જતાં હોવાથી ખાસ કાળજી રાખવા માટે જણાવાયું છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા પણ ચૂંટણીને લઈને પોતાની તૈયારીઓ આરંભી છે અને ૩૦ નવેમ્બરથી તેમના સંવર્ગની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી શરૂ કરાશે. 


બોર્ડના ચૂંટાયેલા સભ્યોનું સંખ્યાબળ ઘટાડવાની ચર્ચા

હાલમાં શિક્ષણ બોર્ડમાં ૨૬ બોર્ડના સભ્યો ચૂંટાઈને આવે છે. બોર્ડનું કુલ સભ્યોનું સંખ્યાબળ ૬૦નું છે, જેમાં ૨૬ ચૂંટાઈને આવે છે અને ૩૪ની નિમણૂક કરવામાં આવે છે. હવે જ્યારે ૨૬ સભ્યોની ચૂંટણી થવાની છે ત્યારે શિક્ષણ જગતમાં ચાલતી ચર્ચા મુજબ બોર્ડ દ્વારા ચૂંટાયેલા સભ્યોનું સંખ્યાબળ ઘટાડી સરકાર નિયુક્ત સભ્યોમાં તેને તબદીલ કરવાની હિલચાલ થઈ રહી છે. જેને જોતા બોર્ડ પર હાલમાં જ સરકારની પકડ છે તે વધુ મજબૂત બનશે. હાલમાં ચૂંટાયેલા સભ્યો પૈકી કેટલાક સભ્યો વિભાગ સામે પડતા હોઈ તેમને ડામી દેવા આ પગલું ભરવાની તૈયારી કરાઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જો, એમ થશે તો શિક્ષણ બોર્ડ પણ ‘વિભાગ’ના ઈશારા પર ચાલતું એકમ બની જશે. 


કયા 26 સભ્યોની ચૂંટણી થાય છે?

શિક્ષણ બોર્ડના કુલ ૬૦ સભ્યો પૈકી ૨૬ સભ્યોની નિમણૂક ચૂંટણીથી થાય છે. જેમાં માધ્યમિક શિક્ષકની ૬ બેઠક, માધ્યમિક આચાર્યની ૬ બેઠક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની ૩ બેઠક, કારકુનની ૨ બેઠક, વાલી મંડળની ૩ બેઠક, સંચાલક મંડળની ૪ બેઠક, સરકારી શિક્ષકની ૧ બેઠક અને બીએડ આચાર્યની ૧ બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે ધારાસભ્ય ૫, વર્ગ-૧ના અધિકારી ૧૬, સરકારના ૩ સભ્યો અને યુનિવર્સિટીના ૧૦ સભ્યો મળી કુલ ૩૪ સભ્યોની સીધી નિમણૂક થાય છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો